લાગણીઓને શબ્દો દ્વારા નીરખવા આપનું સ્વાગત છે..

પ્રેમની પૂર્ણતા

પ્રેમની પૂર્ણતા

Advertisements

હું માતૃદિન નો વિરોધ કરું છુ…

જેના થકી આપણું અસ્તિત્વ છે, જેનો મહિમા વર્ણવવા માટે શબ્દકોશ ના તમામ શબ્દો ભેગા થાય તો પણ ઓછા પડે.. !!! ખુદ ઈશ્વરે પણ ધરતી પર આવવા માટે જેની મદદ લેવી પડી હતી તેવી “માં” ને માત્ર એક દિવસ યાદ કરી લઇ ને આપણે કેવા હીણ દેખાઈએ છીએ તેનો વિચાર કર્યો છે ખરો !!!!
પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી જેમ કોલેજ માં વિવિધ “Days ” ઉજવવામાં આવે છે એવી રીતે “માં” ને પણ એક દિવસમાં યાદ કરી લઈને મિથ્યા આત્મસંતોષ માનવામાં આપણે શુરા થઇને સુરજ ને દીવો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ.
આવા માતૃદિન , પિતૃદિન વગેરેની ઉજવણી ખરેખર એક કલંક સમાન છે…
ખરેખર માતા – પિતાનું ઋણ ચૂકવવાનો વિચાર હોય (ખરેખર તો એ શક્ય જ નથી… છતાં એવો વિચાર આવવો એ પણ નાનીસુની વાત નથી..) તો રોજ સવારે ઈશ્વર ને યાદ કરતા પહેલા માતા પિતાનો ચરણ સ્પર્શ કરશો તો લેખે લાગશે..
શૈલ્ય…

પ્રેમ તો તારો…

પ્રેમ તો તારો વડવાનલ જેવો,
ચારેકોર ઠંડો ને ભીતરે અગ્નિ જેવો.

પ્રેમ તો તારો રણદ્વીપ જેવો,
અફાટ રણમાં મીઠી વીરડી જેવો.

પ્રેમ તો તારો મૂંગા નાં બોલ જેવો,
માત્ર અધરની ભાષા સમજે એવો.

પ્રેમ તો તારો સરસ્વતી જેવો,
ધરાની પેટાળે ધસમસ વહે તેવો.

પ્રેમ તો તારો દધીચિ જેવો,
મારા કાજે જીવ અર્પે તેવો.

શૈલ્ય
(૧૨-૧૦-૨૦૦૯) રાત્રે ૧૧.૪૦ વાગ્યે..

(વડવાનલ = સમુદ્રમાં લાગતી આગ )
(સરસ્વતી = પુરાણોમાં વર્ણવેલી એક નદી જે જમીનની નીચે વહે છે)
(દધીચિ = એ ઋષિ જેમણે વજ્ર બનાવવા માટે પોતાના હાડકાનું દાન ઇન્દ્ર ને કર્યું હતું.)

યાદો સાથે યાદો મળી.
કેવી મઝાથી ગળે મળી.

હું અને તું, કેવા મળ્યા,
નજીક રહી અળગા મળ્યા.

ભૂલથી થયેલો સ્પર્શ મળ્યો,
ક્યાંક ખોવાયેલો હું મળ્યો.

સપને બાંધેલા માંડવા મળ્યા,
સપ્તપદીનાં સાત ડગલા મળ્યા.

અધુરી મને એક કહાની મળી,
અંત કરતા મધુર શરૂઆત મળી.

શૈલ્ય
(૧૧-૧૦-૨૦૦૯) સાંજે ૬.૪૦ વાગ્યે..

તારા સ્પર્શે ધોમધખતો તડકો નમણી સંધ્યામાં શમી ગયો,
એ જ સ્પર્શની આશે તડકો બની હું જીવન આખું જીવી ગયો.

શૈલ્ય.
(૧૦-૧૦-૨૦૦૯) ૧૧.૦૦ વાગ્યે ..

મિત્રતા

મિત્રતાના અણમોલ વચને બંધાયો છુ,
વણકહેલ એવા વાયદે બંધાયો છુ.

સુખના દ્વાર તને સોંપવા સર્જાયો છુ,
દુઃખના દાયરા દૂર રાખવા બંધાયો છુ.

વિકટ કેડીએ રાહબર બનવા રચાયો છુ,
અંધારે તારા,પ્રકાશ બનવા રેલાયો છુ.

જીવનનૌકાને હલેસા હાંકવા હાજર છુ,
મઝધારે દીવાદાંડી બનાવા બેઠો છુ,

મિત્રતાના મજાના અંકુર ખીલવુ છુ,
તારી આંખોના દરેક સ્વપ્ને રોપાયો છુ,

તારા સાદને પડઘાવા પ્રસર્યો છુ,
હર કુરુક્ષેત્રે કૃષ્ણ બની અવતર્યો છુ.

..શૈલ્ય
(૩-૮-૨૦૦૮)

સ્મિત તુ આપજે..